વાર્તા...
ખેલકૂદ સમારોહ
સવાર થઈ. પક્ષીઓ જાગ્યાં. પ્રભાતિયાં ગાવાં લાગ્યાં. ફૂલો ખીલ્યાં. પ્રાણીઓ ઊઠી ગયાં. પ્રાર્થના કરી. નહાયાં. નાસ્તો કર્યો.
સસલું કહે, “ચાલો ખેલકૂદ સમારોહમાં જઈએ'’
ખિસકોલી કહે, “ચાલો...”
શિયાળ, હરણ, વાંદરો કહે, “ખેલકૂદ સમારોહમાં જઈએ.'’
બકરી, ઘેટું, કૂતરો કહે, “ચાલો મેદાનમાં... ચાલો... ચાલો...''
એમ બધાં પ્રાણીઓ ચાલ્યાં. સસલું કૂદતું કૂદતું જાય. ખિસકોલી, ઉંદર, બિલાડી દોડતાં દોડતાં જાય. ઘેટું, બકરી, કૂતરો ચાલતાં ચાલતાં જાય. શિયાળ, હરણ અને વાંદરો છલાંગે ને ફલાંગે જાય.
એમ જતાં જતાં દૂરથી શિશુવાટિકાનો દરવાજો દેખાયો, બધાં દોડ્યાં. પણ દોડવામાં સસલાને કોઈ પહોંચે ? એ તો પહેલું પહોંચી ગયું.
બધાં બગીચાના ઘાસમાં આળોટી પડ્યાં. રંગબેરંગી ફૂલોની સુગંધ લેવા માંડ્યાં. કૂદકા મારવા લાગ્યાં. ગીતો ગાવા લાગ્યાં.
એટલામાં હાથીદાદા આવ્યા. બધાં હાથીની પાસે દોડ્યાં. ચારેય બાજુથી વળગી પડ્યાં. હાથીદાદા કહે, ચાલો ચાલો આપણે રમતો રમીએ. બધાં પ્રાણીઓ રાજી રાજી થઈ ગયાં. નાચવા લાગ્યાં. કૂદવા લાગ્યાં. હાથીદાદા કહે, ‘“સસલાભાઈ, તમે ચૂનો લઈ આવો.”
ખિસકોલીબહેન અને બિલાડીબહેન, મેદાનમાં પાણી છાંટવા માટે પાણી ભરવા ગયાં. હરણ, શિયાળ અને વાંદરો બધાં પક્ષીઓને બોલાવવા ગયાં.
બધાંએ સાથે મળીને મેદાનમાં પાણી છાંટયું ને ચૂના વડે લીટીઓ દોરીને રમતનું મેદાન તૈયાર કર્યું.
હાથીએ બધાં પ્રાણીઓને સળગતી રિંગમાંથી પસાર થવું, પિરામિડ પરથી કૂદવું, પાણીમાં તરવું, ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ, ખેંચા-ખેંચ જેવી જુદી-જુદી રમતોનાં નામ કહ્યાં.
સસલાભાઈએ પિરામિડ પરથી કૂદવાની રમતમાં ભાગ લીધો.
વાંદરાએ અને હરણે સળગતી રિંગમાંથી પસાર થવામાં ભાગ લીધો.
ઉંદર અને બિલાડીએ દોડાદોડની રમતમાં ભાગ લીધો.
કૂતરાએ પણ પાણીમાં તરવાની રમતમાં ભાગ લીધો.
આમ, બધાં પ્રાણીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો.
સૌ પોતપોતાનાં મેદાનમાં ગયાં.
મોર, પોપટ, ચકલી બધાં જ પક્ષીઓ ગીતો ગાતાં ગાતાં રમતો જોવા આવ્યાં. રમતો શરૂ થઈ.
હાથીદાદાએ લાંબી સિસોટી વગાડીને ખેલકૂદ શરૂ કર્યો.
સસલાભાઈ તો પિરામિડ પર ચઢ્યાં ને જોરથી કૂદકો માર્યો.
વાંદરો તો સળગતી રિંગમાંથી કૂદકો મારીને પસાર થઈ ગયો.
હરણને તો સળગતી રિંગમાંથી પસાર થતાં બીક લાગી. તે તો પાછું વળી ગયું.
વાંદરાભાઈએ તેને હિંમત આપી. એટલે હરણભાઈ પણ સળગતી રિંગમાંથી છલાંગ લગાવીને પસાર થઈ ગયા. તેમને તો ખૂબ મજા પડી. તે તો વારંવાર તેમ કરવા લાગ્યાં.
કૂતરાભાઈ તો પાણીમાં કૂદીને તરવા લાગ્યા.
ઉંદર અને બિલાડીની દોડાદોડીની રમત શરૂ થઈ. બિલાડીબહેન ઉદરભાઈને પકડવા દોડ્યાં. દોડતાં દોડતાં બિલાડીબહેન પડી ગયાં. તેને તો મોં પર લોહી નીકળવા લાગ્યું.
ખિસકોલીબહેન દોડીને આવ્યાં. બિલાડીબહેનને પાસે બેસાડ્યાં. દવા લગાવી આપી.
ઘેટું અને બકરીની ખેંચાખેંચીની રમત ચાલી. ક્યારેક ઘેટું બકરીને ખેંચી જાય તો ક્યારેક બકરી ઘેટાને ખેંચી જાય.
આમ, વારાફરતી લાંબી કૂદ અને ઊંચી કૂદ પણ શરૂ થઈ.
સૌ એક રમત પૂરી કરી બીજી રમતમાં જતાં હતાં. રમતાં રમતાં પડી જવાતું હતું. તો પણ ઊભા થઈ દવા લગાવી ફરી રમવા જતાં હતાં.
આમ, કૂદવાની, દોડવાની, તરવાની જેવી સાહસિક રમતો ચાલતી હતી અને સૌ આનંદથી શોરબકોર કરતાં હતાં.
બધાં પક્ષીઓ આ જોઈને તાળીઓ પાડતાં હતાં. ગીતો ગાતાં હતાં અને નાચતાં હતાં. આમ, બધાં પ્રાણીઓને રમતો રમવાની ખૂબ જ મજા પડી.
રમતો પૂરી થઈ. સૌ પોતપોતાને ઘેર ગયાં.
૨.
ઉંદરની ચતુરાઈ
એક હતું ઘર, એ ઘરમાં ઘણાં ઉંદર રહે.
નાના, મોટા, જાડા, પાતળા બધા જ.
રાત-દિવસ દોડાદોડી કરે.
ડબ્બા પાડે ને ખાવાનું ખાઈ જાય.
એક દિવસ ઉંદરોની ધમાલ ચાલતી હતી ને બિલ્લીમાસી આવ્યાં. ઉંદરો તો ભાગંભાગ.
આમ નાઠા, તેમ નાઠા, ચારે બાજુ નાઠા.
એમાં એક નાનકડો ઉંદર એક દૂધની બાટલી આડી પડી હતી, તેમાં ભરાઈ ગયો.
બિલાડી તો એને પકડવા બાટલી આમ તેમ ફેરવે, પણ ઉંદર કંઈ પકડાયનહિ. ખરી ગમ્મત થઈ.
અંદર ઉંદર ગભરાય. બહાર બિલાડી મૂંઝાય.
થોડી વારે બિલાડીએ કંઈક વિચાર કર્યો, ને સળિયો લાવવા માટે ગઈ.
આ બાજુ એક મોટો ઉંદર આવ્યો. એણે ઝટપટ પોતાની લાંબી પૂંછડી બાટલીમાં નાંખી. બાટલીમાંના ઉંદરે બંને હાથથી અને મોંથી મોટા ઉંદરની પૂંછડી પકડી રાખી. મોટા ઉંદરે નાના ઉંદરને પૂંછડીથી બહાર ખેંચી લીધો.
બંને ઉંદર ઝડપથી ભાગી ગયા.
થોડી વારે બિલ્લીમાસી સળિયો લઈને આવ્યાં. જુએ તો બાટલી ખાલીખમ્મ.
બિલ્લીમાસીનું મોં તો જોવા જેવું થઈ ગયું.
૩.
માની શિખામણ
એક નાનકડો ચુંચું હતો. આખો દિવસ રમ્યા કરે. તેની મા લાવે તે ખાય, તેની પાસેથી નવી નવી વાતો શીખે.
તેની મા કહેતી, ‘‘કોઈ નવા સ્થળે ઝટપટ ન પેસવું. સારું સારું ખાવાનું ખાવા એકદમ ન દોડવું.”
તેની મા જ્યારે ખાવાનું લેવા જાય ત્યારે કહેતી જાય, ‘‘બહાર જાઉં છું. અહીં રમજે. ભુખ લાગે તો ભાતું ખાજે. પાણી પીજે. પણ ઘર બહાર ન જઈશ.”
ચંચું કહેતો, ભલે મા! નહિ જાઉં,
એક દિવસ મા બહાર ગઈ. ચુંચુંને બહાર જવાનું મન થયું. પોતાના દરની બહાર નીકળી ચું...ચું... કરતો તે ફરવા માંડ્યો. તેને તો ગીતાબોનનું દફતર તરીને અંદર પેસવાની મજા પડી. ભરતભાઈની ચોપડીઓ કરડકરડ કરવાની એથી ય વધુ મજા પડી.
આમ તેમ ફરતો હતો ત્યાં સરસ સુગંધ આવી. જઈને જુએ તો મજાનું ખાવાનું હતું. કેળાં, ભજિયાં ને વાટકીમાં પાણી પણ ખરું. અંદર જગ્યા પણ ઘણી. ચારે બાજુ જાળી હતી. અંદર જવા મહેનત કરતો હતો, ત્યાં અચાનક ખખડાટ થયો. ચૂંચુભાઈ તો દોડીને પોતાના દરમાં પેસી ગયા.
મા આવી એટલે કો, મા મા ! ચાલ રહેવા માટે સરસ જગા બનાવું, ખાવાનું તૈયાર પાણી તૈયાર. ચાલને ત્યાં રહેવા જઈએ. આ ઘર તો અંધારિયું છે.''
મા કહે, ‘‘ધીરો પડ ! તું કહે છે તે તો પિંજરું હશે. તેમાં અંદર ગયા પછી બહાર ન નીકળાય. આપણને પકડવા જ એ મૂક્યું હોય છે. તારા બાપુ તેમાં ગયા પછી બહાર નહોતા નીકળી શક્યા. હવે તું ત્યાં ન જતો.’’
ચંચું વાત સમજ્યો. પોતે એ પાંજરામાં ગયો હોત તો ! એ વિચારથી શરમાઇને માના ખોળામાં લપાઈ ગયો.
૪.
મહેનતુ મેના-પોપટ
એક મેના હતી. એક પોપટ હતો. બંને માળામાં રહેતાં હતાં. બંને નદીકિનારે ફરવા નીકળ્યાં. ફરતાં ફરતાં સાંજ પડી ગઈ. ફરીને પાછાં માળામાં આવ્યાં. પોપટ કહે મૈના, મને તો ખૂબ ભૂખ લાગી છે. ચાલને કંઈક ખાવાનું શોધીએ. મેના કહે પહેલાં કામ શોધીએ પછી ખાવાનું મળી જશે, બંને ઊડતાં ઊડતાં ફળોની વાડી પાસે આવ્યાં. વાડીના માલિક પાસે જઈને કહે કાકા, અમને કંઈક કામ આપોને, કાકા કહે મેના-પોપટ મારે તમારી પાસે કંઈ કામ કરાવવું નથી. તમારે આ ફળો જોઈતાં હોય એટલાં લઈ લ્યો. પોપટ તો ઉતાવળો થઈને વાડીમાં જવા લાગ્યો.
મેના કહે, “કામ કરીને લઈએ દામ, હૈયામાં ખૂબ છે હામ."
બંને સવાર સુધી વાડીમાં કામ કરવા લાગ્યા. ક્યારા ખોદ્યા. ખાતર નાખ્યું. પાણી પિવડાવ્યું. સવાર થયું ત્યાં વાડીના માલિક આવ્યા અને કહે મેના-પોપટ તમે તો ખૂબ કામ કર્યું. હવે સવાર થયું. લ્યો આ દાડમ, ચીકુ, જામફળ લઈ જાઓ. પોપટે તો પોટલું લીધું ને કાકાને રામ રામ કરીને બંને માળામાં પાછા આવ્યાં.
પોપટ કહે ખૂબ ભૂખ લાગી છે. મેના કહે આપણી બાજુમાં કાગડાભાઈના ઘેર અને કબૂતરભાઈના ઘે૨ થોડું આપી આવો પછી જ ખાઈશું. બંનેનાં ઘેર આપ્યા પછી મેના અને પોપટ બંનેએ ફળો ખાધાં.
બીજે દિવસે ફરી પાછા મેના-પોપટ વાડીમાં કામ કરવા ગયા. ત્યાં પાકાં પાકાં ફળો ભેગા કર્યા. રોજ ખૂબ કામ કરે અને મહેનત કરે.
બધાને ફળ ખાવા આપે અને પોતે પણ ખાય. આમ, મહેનતુ મેના-પોપટે ખાધું પીધું ને રાજ કર્યું.
Comments
Post a Comment